કેરળમાં વહેલી સવારે ભીષણ અકસ્માત, બે બસ વચ્ચે જોરદાર ટક્કર, 9ના મોત અને 38 ઘાયલ
કેરળમાં બે બસ વચ્ચેના ભયાનક અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે, જ્યારે 38 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કેરળમાં બે બસ વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો છે. કેરળના પલક્કડ જિલ્લામાં વદક્કનચેરી ખાતે એક પ્રવાસી બસ કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 38 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાની માહિતી રાજ્યકક્ષાના મંત્રી એમબી રાજેશે આપી છે.
38 ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
બુધવારે રાત્રે અહીંના વડક્કનચેરી ખાતે શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી એક પ્રવાસી બસ કેરળ રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર બાદ બસ દલદલમાં ફસાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. જ્યારે 38 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે.
અકસ્માતમાં 9 લોકોનાં મોત થયાં
મૃતકોમાં શાળાના શિક્ષક વિષ્ણુ વીકે, વિદ્યાર્થી અંજના અજિથ, ઈમેન્યુઅલ સીએસ, દિયા રાજેશ, ક્રિસ વિન્ટરબોર્ન થોમસ, એલ્ના જોસ (વિદ્યાર્થી), અનૂપ (22), રોહિત રાજ (24) અને દીપુનો સમાવેશ થાય છે.
નેશનલ હાઇવે 544 પર અકસ્માત થયો હતો
આ અકસ્માત નેશનલ હાઈવે 544 (NH-544) પર થયો હતો. પ્રવાસી બસ એર્નાકુલમના બેસિલિઓસ વિદ્યાનિકેતન સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને ઊટી જઈ રહી હતી. જ્યારે કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની સુપરફાસ્ટ બસ કોટ્ટરક્કારાથી કોઈમ્બતુર જઈ રહી હતી.