ગુજરાતમાં વરસાદની આગાહી: નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા! હવામાન વિભાગની આજની આગાહી
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ: રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. વલસાડની ઓરંગા નદીમાં ધોડાપૂર આવી ગયું છે જેના કારણે નદી કિનારાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 8 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે (5 ઓગસ્ટ) પણ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે રવિવારે આપેલી આગાહી પ્રમાણે, આજે સોમવારે નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ભરૂચ, ડાંગ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની આગાહી છે.
એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે, મંગળવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, ગુજરાત પર હાલ બે સિસ્ટમ સક્રિય છે. માછીમારોને પહેલા બે દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપાવામાં આવી છે. આ સાથે ત્રીજા દિવસે કોઇ ચેતવણી નથી જ્યારે ચોથા અને પાંચમા દિવસે પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે, ત્યારે રવિવારે સવારના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 105 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના ખેરગામમાં 174 મિમી, ડાંગના આહવામાં અને વલસાડના કપરાડામાં 119 મિમી, નવસારીના ચીખલીમાં 111 મિમી, વલસાડમાં 106 મિમી, નવસારીના વાંસદામાં 105 મિમી, ડાંગના વાગડમાં 100 મિમી વરસાદ પડ્યો છે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, પાંચ ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ રહેશે. ઓગસ્ટમાં 17થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે. આ સાથે એમ પણ જણાવ્યુ કે, વરસાદ માટે ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે.