ખેડૂતો માટે મોટા સમાચાર: વીજળી માટે સરકારની મોટી જાહેરાત
ગુજરાત સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણયઃ નવા વર્ષમાં ગુજરાતના ખેડૂતોની સમસ્યાઓનો અંત આવશે, રાત્રે ખેતરોમાં કામ કરવા જવાના કિસ્સા હવે ઈતિહાસ બની જશે.
આજે વિધાનસભા સત્રનો 13મો દિવસ છે. જેમાં નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ, જળ સંસાધન, પાણી પુરવઠા અને સહકાર વિભાગના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તો આજથી સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. બીજી તરફ સરકારને ઘેરવાની રણનીતિ અંગે ચર્ચા કરવા કોંગ્રેસે વિપક્ષની બેઠક બોલાવી હતી. આ વિધાનસભા સત્રમાં ખેડૂતોની સમસ્યા પર ઘણી ચર્ચાઓ થઈ હતી. આજે વિધાનસભામાં સરકારે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરી છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં જાહેરાત કરી હતી કે આગામી બે વર્ષ સુધી રાજ્યમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપી શકાશે. આગામી બે વર્ષમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે.
હાલ વિવિધ મુશ્કેલીઓ વચ્ચે જીવી રહેલા ગુજરાતના ખેડૂતો માટે આ સમાચાર રાહતરૂપ છે. માવઠાના પ્રકોપ વચ્ચે ખેડૂતોને હવે એક સારા સમાચાર મળ્યા છે. આજે ગુજરાત વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે હાલના ફીડરમાં દિવસ દરમિયાન વીજળીની ક્ષમતા ઓછી છે. તેથી ખેડૂતોને દિવસ દરમિયાન ખેતી માટે વીજળી મળી રહે તે માટે 1590 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જેથી આગામી બે વર્ષમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે.
આ સવાલ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ખેડૂતોની વીજળીની સમસ્યાને લઈને પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારના ઉર્જા મંત્રીએ આ જાહેરાત કરી હતી.
રાત્રિના સમયે જંગલી પ્રાણીઓનો ભય
જિલ્લાના કેટલાક ગામોમાં ખેડૂતોને રાત્રે 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે જેથી દિવસે પાણી ન મળતા ખેડૂતોને રાત્રે ખેતરોમાં સિંચાઈ કરવા જવું પડે છે. હાલમાં ઉનાળુ પાકની સિઝન ચાલી રહી છે. ખેડૂતોએ શાકભાજી સહિત એરંડા, બાજરી, ઘઉં, દશેરા સહિતના અનેક પાકોનું વાવેતર કર્યું છે. હાલમાં આ પાકને પાણી આપવાની જરૂર હોય ત્યારે રાત્રી દરમિયાન પિયત આપવું પડે છે અને પિયત કરતા ખેડૂતોને વન્ય પ્રાણીઓનો ભય સતાવી રહ્યો છે. રાત્રી દરમિયાન ખેડૂતોને વીજળી આપવામાં આવે છે, ખેડૂતો રાત્રી દરમિયાન એકલા ખેતરમાં પણ જઈ શકતા નથી, ખેડૂતો એક ટોળકી બનાવી ખેતરમાં એક પછી એક સિંચાઈ કરે છે. અત્યાર સુધીમાં ખેડૂતો સાથે અનેક ઘટનાઓ બની છે, કોઈ દિવસ વન્ય પ્રાણીઓ ખેડૂતોને પરેશાન કરે છે. હાલમાં ખેડૂતોની એક જ માંગ છે કે તેઓ દિવસ દરમિયાન પિયત કરી શકે તે માટે દિવસે વીજળી આપવામાં આવે.