ગુજરાતના ખેડૂતો માટે ખુશખબરઃ ભારતનું સૌથી મોટું પ્રાઈવેટ માર્કેટ યાર્ડ આજથી ખુલશે, 365 દિવસ સુધી મળશે ખાસ સુવિધાઓ
અમદાવાદમાં આજથી રાજ્યનું પ્રથમ ખાનગી માર્કેટ યાર્ડ શરૂ થયું છે. દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલે આ માર્કેટયાર્ડનું લોકાર્પણ કર્યું છે. કર્ણાવર્તી માર્કેટ યાર્ડ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડ આજથી શરૂ થયું છે. આ માર્કેટયાર્ડ 365 દિવસ કાર્યરત રહેશે. મહત્વનું છે કે, ભાજપના ધારાસભ્ય બાબુભાઈ પટેલ અને સહકાર સેલના ચેરમેન બિપીનભાઈ પટેલે ખાનગી માર્કેટ યાર્ડ બનાવ્યું છે.
ખેડૂતો અને વેપારીઓ માટે આધુનિક માર્કેટિંગ યાર્ડ
આ અંગે માહિતી આપતા દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો અને વેપારીઓ માટે આધુનિક માર્કેટીંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે. ચેરમેન બિપીનભાઈ પટેલે જણાવ્યું હતું કે ખાનગી એપીએમસીમાં વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. જ્યારે જૂના એપીએમસી રોડ નાના હોવાથી શહેરની અંદર ટ્રેક્ટર, વાહનોને આવવા-જવામાં મુશ્કેલી પડતી હોય સ્થાનિકોને પણ હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ એપીએમસી રીંગ રોડ પર બનાવવામાં આવી છે. તેમજ બરોડા એક્સપ્રેસ અહીંથી 4 કિમી દૂર છે.
બેંક, એટીએમ સુવિધા પણ
તેમણે કહ્યું કે અહીં બેંક, એટીએમની સુવિધા પણ છે. ખેડૂતો માટે જમવાની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોને તેમના પાક માટે સારા પૈસા મળે તે માટે પણ અહીં ધ્યાન રાખવામાં આવશે.
આ યાર્ડ એપીએમસીના ધારાધોરણ મુજબ ચાલશે
આજથી શરૂ થયેલ અમદાવાદનું આ ખાનગી માર્કેટ યાર્ડ સરકારી એપીએમસીના ધારાધોરણ મુજબ ચાલશે. કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડમાં 223 કમિશન એજન્ટ છે. આ માર્કેટયાર્ડ ધમધમતા થયા બાદ ફળ અને ડુંગળી બટાકા માટે નવું યાર્ડ તૈયાર કરવામાં આવશે.