2022ના અંતિમ દિવસે દુર્ઘટનાઃ નવસારીમાં ગમખ્વાર અકસ્માત, કાર-બસની ટક્કરમાં 9ના મોત, 15 ઘાયલ
નવસારી જિલ્લામાં વર્ષના અંતિમ દિવસે એક ગોઝારો અકસ્માત પ્રકાશમાં આવ્યો છે. નવસારી જિલ્લાના નેશનલ હાઈવે નંબર 48 પર રેશ્મા ગામ પાસે વલસાડથી ભરૂચ જતી કાર લકઝરી બસ સાથે અથડાઈ હતી. જેમાં 7 લોકોના ઘટનાસ્થળે અને 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. કુલ મૃત્યુઆંક 9 છે.
મળતી વિગતો મુજબ અમદાવાદના પ્રમુખસ્વામી નગરથી લકઝરી બસ યાત્રાળુઓને લઈને જઈ રહી હતી અને કાર વલસાડ તરફથી આવી રહી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. સૂત્રોનું માનીએ તો મૃત્યુઆંક વધી શકે છે કારણ કે ઘણા લોકોની હાલત અત્યંત નાજુક છે.
આ ખાનગી લક્ઝરી બસ શતાબ્દી મહોત્સવ નિહાળીને અમદાવાદથી વલસાડ પરત ફરી રહી હતી. જ્યારે ફોર્ચ્યુનર કાર વલસાડ થઈને ભરૂચ જઈ રહી હતી. ત્યારે અચાનક આ કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ગઈ હતી. જ્યાં તે કાર અચાનક બસ સાથે અથડાઈ હતી. અને બાદમાં કારમાં સવાર તમામ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ તમામ લોકો ભરૂચની એક ફાર્મા કંપનીમાં કામ કરતા હતા. જ્યારે બસમાં સવાર તમામ મુસાફરો વલસાડના છે.
નવસારી જિલ્લાના ડીવાયએસપી વીએન પટેલના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને કેટલાક ઘાયલ થયા છે. એકની હાલત નાજુક હોવાથી તેને સુરત ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સુરત અને વલસાડ ખસેડવામાં આવ્યા છે.