મધ્યપ્રદેશમાં 50 મુસાફરોને લઈને જતી બસ નર્મદામાં ખાબકી, 13ના મોત: 25 મુસાફરોની શોધખોળ
મહારાષ્ટ્રના ઈન્દોરથી પુણે જઈ રહેલી એસટીની બસ ઓવરટેક કરતી વખતે રેલિંગ તોડીને નદીમાં પડીઃ 15નો બચાવ
ભોપાલ, તા. 18 : મધ્યપ્રદેશમાં એક ભયાનક અકસ્માતમાં, 50 થી વધુ યાત્રાળુઓને લઈને જતી બસ ધાર જિલ્લામાં નર્મદા નદીમાં ખાબકતાં ઓછામાં ઓછા 15 તીર્થયાત્રીઓના મોત થયા છે, જ્યારે 23 થી 25 યાત્રાળુઓની શોધખોળ હજુ ચાલુ છે અને 15ને બચાવી લેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર સરકારની આ રોડવેઝ બસ ઈન્દોરથી પુણે જઈ રહી હતી અને નર્મદા નદીના પુલ પર બસનું સ્ટિયરિંગ લોક થઈ જતાં બસ સંજયસેતુ પુલ પરથી નર્મદા નદીમાં પડી ગઈ હતી. આ અકસ્માત ઈન્દોરથી 80 કિલોમીટર દૂર આગ્રા-મુંબઈ હાઈવે પર થયો હતો. સવારે 10 વાગ્યાની આસપાસ આ બસ નદીમાં પડી ગયા બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બચી ગયેલા યાત્રીઓમાંથી ઘણાની હાલત ગંભીર છે અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા અકસ્માત સ્થળ પર પહોંચી ગયા હતા.
આ અકસ્માતમાં કેટલાક મુસાફરોને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા, તેમના જણાવ્યા અનુસાર, અન્ય વાહનને ઓવરટેક કરતી વખતે ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ રેલિંગ તોડીને પૂલમાં ખાબકી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે એક વિશેષ ટીમ મોકલી હતી અને મૃત્યુઆંક વધવાની આશંકા છે.