Gujarat Rain: આજે ગુજરાતમાં વરસાદનું જોર વધશે કે ઘટશે? જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: Will the intensity of rain increase or decrease in Gujarat today? Know the weather forecast
અમદાવાદ: ગુજરાતમાં ક્યાંક સામાન્ય તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપી છે. ગુજરાતમાં ગુરૂવારે રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વડોદરામાં સૌથી વધારે 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે આજે ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે તે અંગેનું પૂર્વાનુમાન જોઇએ.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યુ કે, અત્યારે દક્ષિણ ગુજરાતમાં એક ઓફશોર ટ્રફ છે પરંતુ આ સિસ્ટમ વીક છે જેના કારણે ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદનું જ પૂર્વાનુમાન છે. આ પહેલા પણ આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં હતી અને અત્યારે પણ છે.
હવામાન વિભાગ પ્રમાણે, આજે તમામ જિલ્લાઓમાં ગાજવીજની આગાહી છે. તો કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળે તો કેટલાક જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવમાં આવી છે. જોકે, કોઇ જિલ્લામાં અતિભારે વરસાદની કોઇ વોર્નિંગ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી.
નોંધનીય છે કે, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવાર 8 ઓગસ્ટના રોજ સવારના 6થી રાતના 8 વાગ્યા સુધીમાં 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વડોદરામાં 3.5 ઇંચ (90 મીમી )વરસાદ વરસ્યો છે. ગુરુવારે સાત તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. વડોદરા 90 મીમી, બોરસદ 55 મીમી, જાબુંઘોડા 34 મીમી, જેતપુર પાવી 33 મીમી, સુરત શહેર 29 મીમી, પેટલાદ 28 મીમી, બોડેલી 25 મીમી , આંકલાલ 18 મીમી, સોનગઢ 18 મીમી, ઉચ્છલ 13 મીમી, સમી,હળવદ, છોટા ઉદેપુર 12 મીમી, સોજીત્રા, વાઘોડિયા અને ડભોઈમાં 9 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 57 તાલુકામાં 1 થી લઇને 7 મીમી સુધી વરસાદ વરસ્યો છે.