દિલ્હી સહિત 18 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગ એલર્ટ
હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હાલમાં દેશની રાજધાની દિલ્હીમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદની સાથે તેજ પવનની આગાહી કરી છે. આ સાથે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોરદાર પવન પણ વાવાઝોડાનું કારણ બની શકે છે. ગઈકાલે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ અને ઠંડો પવન ફૂંકાયો હતો. આજે પણ વરસાદ પડવાની ધારણા છે. આગામી 5 દિવસ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
દિલ્હી, NCR, પંજાબ, યુપી, કર્ણાટક, તમિલનાડુ, બિહારમાં ભારે વરસાદની સંભાવના છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હી, NCR, પંજાબ, યુપી, કર્ણાટક, તમિલનાડુ, બિહારમાં ભારે વરસાદની સંભાવના છે. પાટનગરમાં આજે મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આ સિવાય બિહાર, ઓડિશા, મહારાષ્ટ્રમાં પણ હળવો વરસાદ પડી શકે છે. રાજસ્થાનના ભરતપુર, ધૌલપુર, કરૌલી, સવાઈમાધોપુર, કોટા, બરાન, ઝાલાવાડ, જેસલમેર, બિકાનેર, ચિત્તોડગઢ, ઉદયપુર જિલ્લાના આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી સિવાય જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આગામી ચાર દિવસ પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે. 8 મેથી વાતાવરણ સ્વચ્છ થવાનું શરૂ થશે. પશ્ચિમી હિમાલયના રાજ્યોમાં 5 મે સુધી હવામાન આવું જ રહી શકે છે. હવામાન પરિવર્તનની અસર મધ્ય ભારતના રાજ્યોમાં જોવા મળશે અને આ રાજ્યોમાં પણ વરસાદની શક્યતા છે. જેમાં પશ્ચિમ રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે.