સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ એક્ટરે આત્મહત્યા કરી લીધી

ટોલીવુડ અભિનેતા સુધીર વર્માએ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ, તેણે વિશાખાપટ્ટનમ સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. તેના કો-સ્ટાર સુધાકરે અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી છે.
તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં આવી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટોલીવુડ અભિનેતા સુધીર વર્માએ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ, તેણે વિશાખાપટ્ટનમ સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. તેના કો-સ્ટાર સુધાકરે અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું.
સુધાકરે ટ્વિટર પર લખ્યું, “સુધીર! આટલી સુંદર વ્યક્તિ… તમને જાણીને અને તમારી સાથે કામ કરીને ખૂબ આનંદ થયો ભાઈ. વિશ્વાસ નથી થતો કે તમે હવે આ દુનિયામાં નથી. ઓમ શાંતિ.” સુધીરે અચાનક આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તે છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવથી પીડાઈ રહ્યો હતો. સુધીરના આકસ્મિક નિધનથી સમગ્ર ટોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેમના પ્રિયજનો તેમને અશ્રુભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સુધીરે અભિનયની દુનિયામાં વર્ષ 2013માં પ્રવેશ કર્યો હતો.તેની પ્રથમ ફિલ્મનું નામ ‘સ્વામી રા રા’ હતું. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો. તે વર્ષ 2016માં `કુંદનપુ બોમ્મા’થી ખૂબ જ ફેમસ થયો હતો. જો કે, આ ફિલ્મ પછી પણ તેને ઈન્ડસ્ટ્રીમાં સારી ઑફર્સ મળી રહી ન હતી.