વધુ એક ગ્રીષ્મા કાંડઃ સુરત બાદ હવે જામનગરમાં પાગલ પ્રેમીએ યુવતીને ઢોર માર માર્યો
જામનગરના રામેશ્વર નગરમાં પ્રેમ પ્રકરણમાં એક યુવકે યુવતી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં યુવતીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
એવું કહેવાય છે કે ગુજરાતમાં મહિલાઓ અને બાળકો સુરક્ષિત છે, પરંતુ વાસ્તવિકતા સાવ વિપરીત છે. રાજ્યમાં કોણ જાણે શું થઈ રહ્યું છે. રોજેરોજ છેડતીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ચકચારી ગ્રીષ્મા મર્ડર કેસ હજુ વિસર્યો નથી ત્યાં આવી જ બીજી ઘટના બની છે. જામનગરમાં ધરાર પ્રેમી બનવા માંગતા રોમિયોએ ટ્યુશનથી ઘરે જતી યુવતી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી સનસનાટી મચાવી દીધી હતી. બાળકીને માથામાં પાંચ ટાંકા આવ્યા છે. હાલ પોલીસે હુમલો કરનાર યુવકની શોધખોળ શરૂ કરી છે.
19 વર્ષની યુવતી પર હુમલો
મળતી માહિતી મુજબ જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલી કે.પી.શાહની વાડી પાસે ગઈકાલે સાંજે 19 વર્ષની યુવતી તેની બહેન સાથે એક્ટિવા પર ટ્યુશનથી ઘરે જઈ રહી હતી. દરમિયાન તેમની પડોશમાં રહેતા અજય સરવૈયા નામના યુવકે તેમનું એક્ટિવા ઉભું રાખ્યું હતું. જે બાદ તેણે યુવતીને પ્રેમ સંબંધ માટે પૂછ્યું. જોકે, યુવતીએ ના પાડતાં યુવક ઉશ્કેરાઈ ગયો હતો.
પાડોશમાં રહેતા એક યુવકે છરી વડે હુમલો કર્યો હતો
તેણે પોતાની પાસે રહેલી છરી વડે યુવતી પર હુમલો કર્યો હતો અને બાદમાં તે ભાગી ગયો હતો. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જે બાદ બાળકીને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી. તેને માથામાં પાંચ ટાંકા આવ્યા હતા.
પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી હતી
ઘટનાની જાણ થતા પોલીસ ટીમ પણ હોસ્પિટલે દોડી ગઈ હતી. જે બાદ યુવતીએ પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી. આ ઘટના અંગે યુવતીએ આરોપી અજય સરવૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
અમદાવાદમાં પાગલ પ્રેમીએ હુમલો કર્યો
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. અમદાવાદમાં પ્રેમ-પાગલ પ્રેમીએ પરિણીત યુવતીના ઘરમાં ઘુસીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. કોલેજના દિવસો દરમિયાન યુવતીએ પ્રેમનો પ્રસ્તાવ ન સ્વીકારતા પ્રેમીએ દોઢ વર્ષ બાદ હત્યાનો બદલો લીધો હતો. જે બાદ ચાંદખેડા પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે કે હુમલા પાછળ દુશ્મનાવટ કે અન્ય કોઈ કારણ છે.