સુરતમાં કુમાર કાનાણી અને લક્ઝરી બસ એસો.ના વિવાદે મુસાફરોને હાલાકી વેઠવી પડી

કુમાર કાનાણી Vs બસ ઓપરેટર્સઃ સુરતમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી અને બસ એસોસિએશન વચ્ચેના વિવાદનો ભોગ મુસાફરો બન્યા હતા….બસ ચાલકોએ મુસાફરોને શહેરની બહાર ઉતાર્યા હતા….કાનાણીએ મુસાફરોને અણગમતી સલાહ આપી હતી. … ગામ જવું હોય તો કંઈક કરજો. સહન કરવું પડશે…
સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણી અને ખાનગી બસ એસોસિએશન વચ્ચે જંગ જામ્યો છે. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી અને લકઝરી બસ એસોસિએશન વચ્ચેના વિવાદનો ભોગ મુસાફરો બન્યા છે. સુરતમાં લક્ઝરી બસના સંચાલકોએ નિર્ણય લીધો છે કે આજથી શહેરમાં બસો નહીં આવે. જેથી લકઝરી બસના ચાલકોએ મુસાફરોને શહેરની બહાર ઉતારી દીધા હતા. જેના કારણે રિક્ષાચાલકોએ મુસાફરોને લૂંટી લીધા હતા. મુસાફરોનો આક્ષેપ છે કે વિવાદ વચ્ચે અટવાયેલા મુસાફરો પાસેથી રિક્ષા ચાલકો રૂ. 200ના બદલે રૂ.500 ભાડું વસૂલતા હતા. એકાએક નિર્ણય બદલાતા વહેલી સવારે આવેલા મુસાફરો પરેશાન થઇ ગયા હતા. બીજી તરફ પોલીસે દાવો કર્યો છે કે વધુ ભાડું વસૂલનારા રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
રિક્ષા ચાલકોએ ત્રણ ગણું ભાડું વસૂલ્યું હતું
આજથી લકઝરી બસો સુરતમાં પ્રવેશતી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે બહારગામથી આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીની ફરિયાદ બાદ બસ એસોસિએશને બસ શહેરમાં નહીં લાવવાનો નિર્ણય લીધો હતો. ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતમાં સ્લીપિંગ એસટી બસો દોડાવવાની માંગણી કરતો પત્ર લખ્યો હતો. જેમાં કતારગામ, વરાછા, પુણા વિસ્તારમાં સ્લીપિંગ એસટી બસની માંગણી કરવામાં આવી છે. તેમજ કુમાર કાનાણીએ ફરિયાદ કરી હતી કે ખાનગી લકઝરી બસ સંચાલકો ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે. જેથી ખાનગી બસોના રૂટનો સર્વે કરવાની પણ માંગણી કરી હતી.
કાનાણી મુસાફરોને વણમાગી સલાહ આપે છે
બીજી તરફ કુમાર કાનાણીએ બસ એસોસિએશનના પ્રમુખ પર આરોપ લગાવ્યો હતો કે મુસાફરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. કુમાર કાનાણીએ કહ્યું કે, લોકોને બે-પાંચ વાર ગામમાં જવું પડે તો થોડું સહન કરવું જોઈએ. કુમાર કાનાણીએ માગણી કરી હતી કે બસ એસોસિએશને મુસાફરોને શહેરની બહાર ઉતારવા હોય તો ટિકિટના દરમાં ઘટાડો કરવો જોઈએ. કાનાણીએ કહ્યું કે, મેં માત્ર પોલીસની જાહેરાતનો અમલ કરવા સૂચન કર્યું હતું. બસ એસોસીએશનના પ્રમુખ ગૌરવ અનુભવે છે. કોર્પોરેશનને રજૂઆત કરી બીઆરટીએસની વ્યવસ્થા કરાવીશ.
કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે ટ્રાફિક વિભાગનો પરિપત્ર પહેલેથી જ છે. લોકો વર્ષમાં એક કે બે વાર જાય છે. લોકો ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મેળવવા માંગે છે. આજે બેઠકનું આયોજન કરવામાં આવશે. મુસાફરો માટે સિટી બસની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મેં 10 વાગ્યા પછી એન્ટ્રી લેવાનું કહ્યું છે.