હવે ટેસ્ટમાં પણ ભારત નંબર 1: એક સાથે ત્રણ ફોર્મેટમાં પ્રભુત્વ, ટીમ ઈન્ડિયાના નામે વધુ એક ઈતિહાસ
ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ICC દ્વારા બુધવારે જાહેર કરાયેલી તાજેતરની રેન્કિંગમાં ભારતીય ટીમ ટેસ્ટમાં નંબર-1 બની ગઈ છે. આ ઐતિહાસિક છે કારણ કે ભારતીય ટીમ હાલમાં ત્રણેય ફોર્મેટ, T20, ODI અને ટેસ્ટમાં રેન્કિંગમાં નંબર વન છે.
ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં એકસાથે નંબર-1 ટીમ બની
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે, જ્યારે ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં એક સાથે નંબર-1 ટીમ બની ગઈ છે. ICC દ્વારા દર બુધવારે નવીનતમ રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. નાગપુર ટેસ્ટ પૂર્ણ થયા બાદ આ પ્રથમ વખત હતો જ્યારે રેન્કિંગ અપડેટ કરવામાં આવ્યું હતું, કારણ કે ભારતીય ટીમને અહીં બમ્પર ફાયદો થયો હતો. ટેસ્ટમાં ભારતના હવે 115 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 111 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-2 પર પહોંચી ગયું છે.
ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે
ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે પુરૂષોની ટીમ ત્રણેય ફોર્મેટમાં એક સાથે નંબર 1 પર આવી હોય. ભારતીય ટીમ પહેલાથી જ T20 અને ODI ફોર્મેટમાં નંબર 1 પર હતી. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર-2 પર હતી પરંતુ નાગપુરમાં ઈનિંગ અને 132 રનથી જીત મેળવ્યા બાદ ભારત અહીં પણ નંબર-1 બની ગયું છે.