માસ્ક વિના આ સ્થળે પ્રવેશ નહીં:સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં માસ્ક વગર પ્રવાસીઓને પ્રવેશ નહીં મળે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
ચીનમાં કોરોના વાયરસના BF.7 વેરિઅન્ટે તબાહી મચાવી છે. કોરોનાના કારણે ચીનની હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે, જ્યારે સ્મશાનગૃહોમાં પણ લાશોના ઢગલા થઈ રહ્યા છે. આવા દ્રશ્યો ભારતમાં કોરોનાની બીજી લહેરની યાદ અપાવે છે ત્યારે કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે.
કેન્દ્ર સરકાર સાવચેતીના પગલારૂપે જરૂરી પગલાં લઈ રહી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યું છે કે મંગળવાર, 27 ડિસેમ્બર, 2022થી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા તમામ પ્રવાસીઓ, અન્ય પર્યટક આકર્ષણો સહિત, કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. આ સાથે પ્રવાસીઓએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે, માસ્ક વગરના પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.
તમને જણાવી દઈએ કે નર્મદા જિલ્લાના કેવડિયામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાં હોટ ફેવરિટ બની ગયું છે. ખાસ કરીને હવે નાતાલના મીની વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. શનિવાર અને રવિવારની રજાઓમાં છેલ્લા બે દિવસમાં 1 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.