બંગાળના હાવડામાં કચરાના ઢગલામાંથી મળ્યા 17 ભ્રૂણ:એમાં 10 છોકરી અને 7 છોકરાના; આજુબાજુ ફરે છે કૂતરાઓ; પોલીસે તપાસ શરૂ કરી
17 fetuses found in a garbage dump in Howrah, Bengal: 10 girls and 7 boys; Dogs roam around; The police started an investigation
પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના ઉલુબેરિયા શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કચરાના ઢગલામાંથી 17 ભ્રૂણ મળી આવ્યા છે. ઉલુબેરિયાના બાનીબાલા ખારા વિસ્તારમાં વોર્ડ નંબર 31માંથી મળી આવેલા આ ભ્રૂણમાંથી 10 છોકરીઓ અને 7 છોકરાઓ છે. દરેક ભ્રૂણને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે નગરપાલિકાના સફાઈ કામદારો ત્યાં કચરો ઉપાડવા ગયા ત્યારે તેમને પ્લાસ્ટિકની થેલીમાં ભ્રૂણ જોવા મળ્યું હતું. પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલુબેરિયાની આસપાસ ઘણી હોસ્પિટલો હોવાનું માનવામાં આવે છે. લોકોને શંકા છે કે ગર્ભપાત બાદ ભ્રૂણને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકી દેવામાં આવે છે.
ઘટનાની જાણકારી મળતા જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોએ આ અંગે નગરપાલિકાને ફરિયાદ પણ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે જિલ્લા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીએ આ બાબતને ગંભીરતાથી લીધી છે. અધિકારીઓને ઘટનાની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, સ્થાનિક નર્સિંગ હોમ અને તેની આસપાસના સીસીટીવી ફૂટેજ લાવવા માટે કહેવામાં આવ્યું છે, જેથી આ ભ્રૂણને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકનારા લોકોની ઓળખ થઈ શકે.
1.5 કિમી વિસ્તારમાં 30 થી વધુ ખાનગી હોસ્પિટલો
ઉલુબેરિયામાં દોઢ કિમીના વિસ્તારમાં લગભગ 30 ખાનગી હોસ્પિટલો છે, તેથી સ્થાનિકો અને પોલીસને શંકા છે કે ત્યાં ગર્ભપાત બાદ ભ્રૂણને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકી દેવામાં આવે છે. ઘટનાની જાણ થતા પાલિકાના વાઈસ ચેરમેન ઈમાનુર રહેમાન ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ તમામ ભ્રૂણ અવારનવાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પડ્યા રહેતા હતા. તેની આસપાસ કૂતરા ફરતા હતા. પાલિકાને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
કર્ણાટકમાં 7 ભ્રૂણના અવશેષો મળી આવ્યા હતા
લગભગ 2 મહિના પહેલા કર્ણાટકમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. 25 જૂનના રોજ, અહીં બેલગાવીમાં એક કોઠારમાંથી 7 ભ્રૂણના અવશેષો મળી આવ્યા હતા. દરેક ગર્ભ માત્ર 5 મહિનાનો હતો. આ ઘટના બેલગાવીના મુદલગી શહેરમાં બસ સ્ટેન્ડ પાસે બની હતી. પોલીસને શંકા છે કે બસ સ્ટેન્ડની આસપાસની હોસ્પિટલોમાં ગર્ભપાત બાદ આ ભ્રૂણ ફેંકવામાં આવ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.