આણંદ, તારાપુર નજીક મોટી ચોકડી પાસે ગંભીર અકસ્માત, ટ્રક પલટી જતાં 3ના મોત, 5 ઘાયલ

આણંદના તારાપુર પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 5 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાજ્યમાં અકસ્માતો હજુ અટકી રહ્યા નથી. અકસ્માતોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આજે રાજ્યના આણંદના તારાપુરમાંથી વધુ એક અકસ્માતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મૃતકો રાજુલા, અમરેલીના રહેવાસી હતા
પ્રાપ્ત વિગતો મુજબ આણંદના તારાપુર મોટી ચોકડી પાસે ગઈકાલે રાત્રે ટાઈલ્સ ભરેલી ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. તમામ મૃતકો રાજુલા, અમરેલીના રહેવાસી છે.
5 ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
આ દુર્ઘટનામાં બે બાળકો અને એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળા ઉમટી પડ્યા હતા.
તારાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી
અકસ્માતની જાણ પોલીસને થતાં તારાપુર પોલીસની ટીમ પણ અકસ્માત સ્થળે દોડી આવી હતી. જોકે અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. હાલ તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.