વડોદરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં બે મહિલાના કરૂણ મોત, 4 લોકોને સારવાર માટે ખસેડાયા

વડોદરામાં એક મોટી દુર્ઘટના બની છે. શહેરના વાસણાના દેવનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 2 મહિલાના મોત થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વડોદરાના વાસણાના દેવનગરમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 2 મહિલાઓના મોત થયા છે. તો 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
લોકોનાં ટોળાં દોડી આવ્યાં
પ્રાપ્ત માહિતી અનુસાર, દેવનગરમાં આજે સવારે એક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા સમગ્ર સોસાયટીમાં અરેરાટીનો અહેસાસ થયો હતો. આ ઘટના બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ફાયર ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી
ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતમાં બે મહિલા લીલાબેન ચૌહાણ અને શકુંતલાબેન જૈનના મોત થયા છે. તો 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વિસ્ફોટથી આસપાસના 6 મકાનોને નુકસાન થયું
વાસા વિસ્તારમાં ગેસ સિલિન્ડર ફાટતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે બિલ્ડીંગમાં સિલિન્ડર વિસ્ફોટ થયો છે તેને નુકસાન થયું છે. તેમજ 6 જેટલા મકાનોને નુકસાન થયું છે. હવે પોલીસે એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરી છે.