સ્પોર્ટ્સ:કોમનવેલ્થ ગેમ્સ અને ભારત-ગો ફોર ગોલ્ડ
Sports: Commonwealth Games and India-Go for Gold
ભારતીય એથ્લેટ્સે ઓલિમ્પિક કરતાં કોમનવેલ્થમાં સારું પ્રદર્શન કર્યું છે
આ અઠવાડિયાથી 22મી કોમનવેલ્થ ગેમ્સ ઇંગ્લેન્ડની યજમાની હેઠળ યોજાઈ રહી છે. 1934માં લંડન અને 2002માં માન્ચેસ્ટરમાં ગેમ્સનું આયોજન કર્યા બાદ ઇંગ્લેન્ડ માટે યજમાન થવાનો આ ત્રીજો અવસર છે. આ એડિશનમાં કુલ 20 રમતોનું આયોજન થયું છે જેમાં 72 દેશોના 4131 એથ્લીટ્સ ભાગ લેશે.
કોમનવેલ્થ ગેમ્સની મેડલ ટેલી પર નજર ફેરવીએ તો ખ્યાલ આવશે કે ઓસ્ટ્રેલિયા 2400થી વધુ મેડલ સાથે ટેલીમાં સૌથી અગ્રસ્થાને છે. ઇંગ્લેન્ડ 2144 મેડલ્સ સાથે બીજા, કેનેડા 1550+ મેડલ્સ સાથે ત્રીજા અને ભારત 503 મેડલ્સ સાથે ચોથા સ્થાન પર છે. મેડલ ટેલીમાં સ્થાન જે તે દેશોએ જીતેલા ગોલ્ડ મેડલ્સ પરથી નક્કી થાય છે. ઓલિમ્પિકની સરખામણીએ કોમનવેલ્થમાં ભારતીય એથ્લીટ્સનું પ્રદર્શન વધુ સારું નીવડ્યું છે.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારત આ વર્ષે અલગ અલગ રમતોમાં ભાગ લેવા માટે 215 એથ્લીટ્સ મોકલશે. ભારતીય એથ્લીટ્સ મોટે ભાગે બોક્સિંગ, શૂટિંગ, આર્ચરી અને રેસલિંગની ઈવેન્ટ્સમાં મહત્તમ મેડલ્સ જીતવાની શક્યતા ધરાવે છે. કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં ભારતના પ્રદર્શનના સંદર્ભમાં ડોકિયું કરતા મુખ્યત્વે 4 ગેમ્સમાં ભારતનો દબદબો જોવા મળે છે. બોક્સિંગ, શૂટિંગ, બેડમિન્ટન અને રેસલિંગ. પરંતુ આ વર્ષે લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે શૂટિંગ અને આર્ચરીની ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો નથી. નવી કઈ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
કોમનવેલ્થ ગેમ્સના એક્ઝિક્યુટિવ બોર્ડે આ એડિશનમાં વીમેન્સ ક્રિકેટ (ટી-20 ફોર્મેટ) બીચ વોલીબોલ, પેરા ટેબલટેનિસ, 3×3 બાસ્કેટબોલ અને 3×3 વ્હિલચેર બાસ્કેટબોલની રમતનો ઉમેરો કરવામાં આવ્યો છે. કઈ ઇવેન્ટ્સમાં મેડલની આશા રાખી શકાય?
1) એથ્લીટિક્સ: હાલ પૂરી થયેલી વર્લ્ડ એથ્લીટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપરા પાસેથી જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલની આશા રાખી શકાય. હાઈ જમ્પમાં તેજસ્વીન શંકર તેમજ ટ્રેક એન્ડ ફિલ્ડમાં હિમા દાસ અને દૂતી ચંદ મેડલ માટે પ્રબળ દાવેદાર છે.
2) બેડમિન્ટન: પી.વી. સિંધુ, કિદાંબી શ્રીકાંત, લક્ષ્ય સેન, સાત્વિક રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીના ફોર્મને ધ્યાનમાં લઈએ તો બેડમિન્ટનમાં ભારત ઓછામાં ઓછા 4 ગોલ્ડ મેડલ જીતી શકવાની શક્યતા ધરાવે છે.
3) બોક્સિંગ: વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીન 50 કિલો કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તે સિવાય ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ લવલીના બોરઘેઈન, ઓલિમ્પિક સિલ્વર મેડાલીસ્ટ અમિત પંઘલ તેમજ એશિયન ચેમ્પિયનશિપના ગોલ્ડ મેડલિસ્ટ સંજીત કુમાર ભારત માટે ગોલ્ડ જીતી શકે તેમ છે.
4) ટેબલ ટેનિસ: ગત કોમનવેલ્થમાં મેન્સ અને વીમેન્સ ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો તે જોતા આ વખતે ફરીથી તેનું પુનરાવર્તન થાય તેની પૂરેપૂરી સંભાવના છે. વીમેન્સ ટીમમાં મનિકા બત્રા અને મેન્સ ટીમમાં સત્યા ગુણાસેકરન અથવા શરથ કમલ સિંગલ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા માટે સક્ષમ છે.