ખેડામાં પૂર સંકટઃ અમદાવાદમાં આજે શાળા-કોલેજો બંધ
અમદાવાદની તમામ શાળા કોલેજો આવતીકાલે બંધ રહેશે, ભારે વરસાદને પગલે અમ્યુકોનો નિર્ણય
ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ખેડા જિલ્લાના નડિયાદના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. NDRF અને SDRFની ટીમો દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પણ ભારે વરસાદ પડ્યો હતો. માત્ર થોડા જ કલાકોમાં 10 ઈંચ વરસાદ પડી જતાં શહેરમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગઈકાલે રાત્રે શાળા અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી હતી. અમદાવાદમાં માત્ર ત્રણ કલાકમાં 114.3 મિ.મી. વરસાદ હતો. શહેરના પાલડી, વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાં 241.3 મી.મી. વરસાદ હતો. શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં સિઝનના કુલ વરસાદના 30 ટકા વરસાદ નોંધાયો છે.
વલસાડ, નવસારી, તાપી અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.