તોફાનમાં ફસાયું વિમાન:સ્પાઇસજેટના પ્લેનને લાગ્યો જોરદાર ઝટકો; 40 મુસાફર ઘાયલ, 10ની સ્થિતિ ગંભીર

રવિવારે, મુંબઈથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જઈ રહેલી સ્પાઈસજેટ બોઈંગ B737 તોફાનમાં ફસાઈ ગઈ હતી. પરિણામે, સવારે લગભગ 40 મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી 10ની હાલત ગંભીર છે. જોકે પાયલોટે વિમાનને રનવે પર સફળતાપૂર્વક લેન્ડ કરાવ્યું હતું. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુર્ગાપુરના કાઝી નઝરુલ ઈસ્લામ એરપોર્ટ પર પ્લેન લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે તે વાવાઝોડામાં ફસાઈ ગયું હતું. ફ્લાઈટ ફંગોળાઈ જતાં કેબિનમાં સામાન પડવા લાગ્યો ત્યારે લગભગ 40 મુસાફરો ઘાયલ થયા હતા.
સ્પાઈસજેટે મદદનું વચન આપ્યું હતું
એક રિપોર્ટ અનુસાર, પાયલોટે ખતરાને જોતા સીટ બેલ્ટ ઓન કરી દીધો હતો. ત્યારે પણ ખાણીપીણીની ટ્રોલી સાથે અથડાતા બે મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. નામ ન આપવાની શરતે બોલતા એક અધિકારીએ જણાવ્યું હતું કે સીટ બેલ્ટ પર સહી કર્યા પછી ફૂડ સર્વિસ બંધ કરી દેવી જોઈતી હતી અને તમામ મુસાફરોએ તેમની સીટ પર પહોંચી જવું જોઈતું હતું, જોકે આની અવગણના કરવામાં આવી હતી.
ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્પાઈસજેટના પ્રવક્તાએ પણ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે તે ઘાયલોને મદદ કરવા માટે શક્ય તેટલું બધું કરશે.
કાલ બૈસાખી શું છે?
એપ્રિલ અને મે મહિનામાં પૂર્વ ભારતમાં વાવાઝોડું અને જોરદાર પવન સામાન્ય છે. તેને કાલ બૈસાખી અથવા નોર્વેસ્ટર કહેવામાં આવે છે. કાલ બૈસાખીની અસર ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોવા મળી રહી છે. આ પ્રસંગ સામાન્ય રીતે વૈશાખ મહિનામાં થાય છે, તેથી તેને કાલ બૈસાખી કહેવામાં આવે છે.